Please enable javascript.અમેરિકન માર્કેટમાંથી 4 લાખ BMW રિકોલ કરાઈ, એરબેગ્સમાં મોટી ખામી - bmw recalls cars in us over airbag issue - Iam Gujarat

અમેરિકન માર્કેટમાંથી 4 લાખ BMW રિકોલ કરાઈ, એરબેગ્સમાં મોટી ખામી

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 11 Jul 2024, 3:35 pm
Subscribe

નોર્થ અમેરિકામાં વેચાયેલી લાખો બીએમડબલ્યુ કારને રિકોલ કરવાની જાહેરાત કરાઈ છે કારણ કે એરબેગ્સમાં મોટી ખામી છે. જૂની બીએમડબલ્યુ કારની એરબેગ્સ એક્સિડન્ટ વખતે ખુલવાની જગ્યાએ ફાટી જાય તેવી શક્યતા વધારે છે. તેનાથી ડ્રાઈવરો અને બીજા પેસેન્જરોનને ઈજા થઈ શકે છે. ટાકાટા કંપનીએ બનાવેલી એરબેગ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે અને કાર રિકોલ થઈ છે.

હાઈલાઈટ્સ:

  • BMWના કેટલાક મોડેલમાં એર બેગ્સમાં એક ગંભીર ખામી હોવાનું બહાર આવ્યું છે
  • નોર્થ અમેરિકામાંથી 3 લાખ 94 હજાર બીએમડબલ્યુ કારને રિકોલ કરવામાં આવી છે.
  • આ બધી કારના એરબેગ ઈનફ્લેટરમાં એક ખામી છે તેને દૂર કરવી પડશે.
જર્મનીની BMW કાર તેની ક્વોલિટી, સેફ્ટી અને લક્ઝરી ફીલ માટે જાણીતી છે. તેમાં પણ સેફ્ટી એ સૌથી મહત્ત્વની ચીજ છે. પરંતુ કેટલીક વખત કારમાં એવી ખામી રહી જાય છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. BMWના કેટલાક મોડેલમાં એર બેગ્સમાં એક ગંભીર ખામી હોવાનું બહાર આવ્યું છે જેના કારણે નોર્થ અમેરિકામાંથી 3 લાખ 94 હજાર બીએમડબલ્યુ કારને રિકોલ કરવામાં આવી છે. આ બધી કારના એરબેગ ઈનફ્લેટરમાં એક ખામી છે તેને દૂર કરવી પડશે. 2006 અને 2012 વચ્ચે બનાવવામાં આવેલી ચોક્કસ મોડલની કારમાં આ ખતરો છે અને તેથી તેને રિકોલ કરવામાં આવી છે.

બીએમડબલ્યુ કંપનીને જાણવા મળ્યું કે કોઈ પણ ક્રેશ વખતે જ્યારે એર બેગ ખુલશે ત્યારે તે ખુલવાના બદલે ફાટે તેવી શક્યતા છે. જેના કારણે ડ્રાઈવર અને બીજા પેસેન્જરોને ગંભીર ઈજા થઈ શકે છે. આ ખામીને દૂર કરવી જરૂરી છે અને તેના માટે જ લાખો કારને રિકોલ કરવામાં આવશે.

હવે કઈ સિરિઝની BMW કારને રિકોલ કરવામાં આવી છે તે જાણીએ. 2006-2011 3 સિરિઝની સેડાન, 2006-2012 3 સિરિઝની સ્પોર્ટ્સવેગન અને 2009-2011 3 સિરિઝ સેડાનને રિકોલ કરવામાં આવી છે અને તેના એર બેગ્સમાં જે ખામી છે તે દૂર કરવામાં આવશે.

નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા રિકોલ ડોક્યુમેન્ટ પોસ્ટ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જે BMWમાં ખામી છે તેના ઓરિજિનલ સ્ટીયરિંગ વ્હીલને તેના ઓનર્સ દ્વારા બદલીને તેની જગ્યાએ સ્પોર્ટ અથવા એમ-સ્પોર્ટ સ્ટીયરિંગ વ્હીલ નાખવામાં આવ્યું હોઈ શકે છે જેમમાં PSDI-5 ઈનફ્લેટર હોઈ શકે છે. તેમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થાય છે અને સમય જતા તે બહુ એગ્રેસિવ સંયોજન બની શકે છે.

જો એક્સિડન્ટ થાય અને ઈનફ્લેટર ફાટી જાય તો તેમાં જે મેટલના કણો હશે તે એર બેગના કુશન મટિરિયલમાંથી બહાર નીકળી શકે છે જેના કારણે વ્હીકલમાં બેસેલી વ્યક્તિને ગંભીર ઈજા પણ થઈ શકે અને તેનું મોત પણ નિપજી શકે છે. નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન - NHTSA એ જણાવ્યું કે ડીલરો દ્વારા ડ્રાઈવર સાઈડના એરબેગ મોડ્યુલને ફ્રીમાં રિપ્લેસ કરી આપવામાં આવશે. માલિકોને 23 ઓગસ્ટે નોટિફિકેશન મેઈલ કરવામાં આવશે. તમારે કોઈ પ્રશ્નો હોય તો કસ્ટમર સર્વિસ પર સીધો ફોન કરી શકાશે.

અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે BMWમાં અત્યાર સુધીમાં આ ઈશ્યૂના કારણે કોઈનું મોત થયું હોય કે ઈજા થઈ હોય તેવા અહેવાલ નથી આપ્યા. BMWમાં જે એરબેગનો ઉપયોગ થાય છે તે જાપાનની કંપની ટાકાટા દ્વારા બનાવવામાં આવે છે અને આ કંપની હવે દેવાળું ફૂંકી ચૂકી છે. ટાકાટાએ બનાવેલી લાખો એરબેગ્સને પહેલેથી રિકોલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી અત્યંત ગરમી પડે અથવા ભેજમાં રહે તો જ્યારે ક્રેશ થાય ત્યારે આ એરબેગ્સ ખુલવાના બદલે ફાટે તેવી શક્યતા વધી જાય છે.

ટાકાટા એક સમયે દુનિયાની ટોપની એરબેગ્સ સપ્લાયર ગણાતી હતી જેણે 2017માં બેન્કરપ્સી માટે ફાઈલિંગ કર્યું હતું. ટાકાટાની એટલી બધી એરબેગ્સ તેની ખામીના કારણે રિકોલ કરવી પડી કે કંપની નાદાર થઈ ગઈ હતી. 2009 પછી ટાકાટાની એરબેગ્સ જે કારમાં લગાવવામાં આવી હોય તેના એક્સિડન્ટના કારણે લગભગ 30 લોકોના મોત થયા હતા. તેમાંથી લગભગ 26 લોકો એકલા અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા એક દાયકામાં ટાકાટાની એરબેગ્સ ફીટ કરેલી હોય તેવા લગભગ 100 મિલિયનથી વધુ વાહનોને રિકોલ કરવામાં આવ્યા છે. મે 2023માં લગભગ 90 હજાર જૂની કારને તો ચલાવવાની જ ના પાડી દેવાઈ હતી કારણ કે તેમાં ટાકાટાની એરબેગ્સ લાગેલી હતી.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો