Please enable javascript.Shela Road,શેલામાં ગટરના પાણીનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ, રહેવાસીઓ ત્રાહિમામ - sewage flooding situation in shela residents stranded - Iam Gujarat

શેલામાં ગટરના પાણીનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ, રહેવાસીઓ ત્રાહિમામ

Authored byJignesh Parmar | Curated byચિંતન રામી | I am Gujarat 4 Jul 2024, 12:30 pm
Subscribe

અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડાની સમીને અડીને આવેલા શેલામાં હાલમાં વરસાદી પાણી અને ગટરના પાણીની સમસ્યા વકરી છે. વરસાદી પાણીમાં ગટરના પાણી ભળી ગયા છે અને તે ત્યાંની સોસાયટીઓમાં ભરાઈ ગયા છે જેના કારણે ત્યાંના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શેલામાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય સુવિધા નથી.

હાઈલાઈટ્સ:

  • મુખ્ય શેલા રોડ પર આવેલી 50થી વધુ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં વરસાદના પાણીના નિકાલની માળખાકીય સુવિધાઓ નથી
  • ગટરનું પાણી ખુલ્લા મેદાનમાં જાય છે અને જે ત્યાંના રહેવાસીઓ માટે ભારે મુશ્કેલી સર્જે છે
  • શેલામાં ક્લબ O7 રોડ પર પાણી ભરાઈ ઘયા હતા જેના કારણે ઔડાને ઘણી ફરિયાદો મળી હતી
Shela Ahmedabad2
શેલામાં વરસાદી પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે અને લોકો પરેશાન થઈ ગયા છે
અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (AUDA)ની સીમાને અડીને આવેલા મુખ્ય શેલા રોડ પર આવેલી 50થી વધુ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં વરસાદના પાણીના નિકાલની માળખાકીય સુવિધાઓ નથી. જેના કારણે ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલની સુવિધાના અભાવના કારણે ત્યાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે થોડો વરસાદ પણ ત્યાંના રહેવાસીઓ માટે દુઃસ્વપ્ન સમાન બની જાય છે કેમ કે વરસાદના પાણીમાં ગટરનું પાણી પણ ભળી જાય છે અને તે પાણી ઘરોમાં ઘૂસી જાય છે.
ગત વર્ષે શાંતિપુરા ચોકડી પાસે ડ્રેનેજ લાઈન તૂટી જવાના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. ત્યારથી ગટરનું પાણી ખુલ્લા મેદાનમાં જાય છે અને જે ત્યાંના રહેવાસીઓ માટે ભારે મુશ્કેલી સર્જે છે. એપલવુડ વિલાના સભ્ય શાંતિ ભૂષણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારાની ટોપોગ્રાફી જેવી રીતની છે તેના કારણે પાણી ભરાઈ જાય છે. મારે મારી દીકરીને ટ્રેક્ટરમાં બેસાડીને સ્કૂલ બસ સ્ટોપ સુધી જવું પડે છે. આ વિસ્તારમાં એક દાયકામાં વસ્તી ઝડપથી વધી રહી છે તેમ છતાં ગટરની માળખાકિય સુવિધાઓ જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. હવે ગંદા પાણીને નજીકની ખુલ્લી જગ્યાઓમાં છોડવામાં આવે છે જે દર વખતે વરસાદ પડે ત્યારે સમસ્યાને વધારે છે. હવે તેમની સોસાયટી પાણીને રોકવા માટે રિટેન્શન વોલ બનાવવાનું વિચારી રહી છે.

હાલમાં અમદાવાદમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. જોકે, આ ભારે વરસાદે ફરી એક વખત પરિસ્થિતિની ગંભીરતાને ઉજાગર કરી છે. શેલામાં ક્લબ O7 રોડ પર પાણી ભરાઈ ઘયા હતા જેના કારણે ઔડાને ઘણી ફરિયાદો મળી હતી. જેના જવાબમાં ઔડાએ રસ્તાઓ અને નજીકની જમીન ખોદવા માટે JCB મશીનો કામે લગાડ્યા હતા અને કામચલાઉ રીતે ખુલ્લા મેદાનમાં પાણી વાળ્યું હતું. જોકે, આવા કામચલાઉ ઉપાયોના કારણે મૂળભૂત સમસ્યાનો ઉકેલ આવતો નથી જેના કારણે રહેવાસીઓને સતત વરસાદી અને ગટરના પાણી ભરાઈ જવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પાણીમાંથી દુર્ગંધ આવવાના કારણે ત્યાં રહેવું મુશ્કેલ બને છે અને પાણીના કારણે ઘરના સામાનને પણ નુકસાન પહોંચે છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સમસ્યાઓનો સામનો મણિપુર અને સનાથલ જેવા પાડોશી વિસ્તારોના લોકોને પણ કરવો પડે છે.

ઔડાએ પણ સ્વીકાર્યું છે કે આ સમસ્યાનું કાયમી સમાધાન આવવું જરૂરી છે. જેના માટે ઔડાએ શેલામાં ક્રોનિક વોટર લોગિંગને પહોંચી વળવા માટે એક વ્યાપક યોજનાની દરખાસ્ત મૂકી છે. તાજેતરના સર્વેમાં અંદાજે 144 હેક્ટરના વિસ્તારને આવરી લેતા એક પ્રોજેક્ટ પર વિચારણા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વર્તમાન અને ભવિષ્યમાં બનનારા રસ્તાઓ સાથે ભૂગર્ભમાં RCC પાઈપોનું 6.3 કિમી નેટવર્ક બનાવવાનો સમાવેશ થાય છે. આ પાઈપો 600mmથી 1600mm વ્યાસની હશે જે અસરકારક રીતે વરસાદી પાણીનો નિકાલ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો