Please enable javascript.પોલીસ હવે ડોંકી રૂટના મૂળમાં ઉતરી, 108 ઈમિગ્રેશન એજન્ટોની ધરપકડ - delhi airport police arrest 108 agents in donkey route investigation - Iam Gujarat

પોલીસ હવે ડોંકી રૂટના મૂળમાં ઉતરી, 108 ઈમિગ્રેશન એજન્ટોની ધરપકડ

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 13 Jul 2024, 9:34 am
Subscribe

Donkey Route Cases: ભારતથી ડોન્કી રૂટથી કેનેડા અથવા અમેરિકામાં ઘૂસતા લોકોને એજન્ટો મદદ કરતા હોય છે. પોલીસ હવે આવા ઈમિગ્રેશન એજન્ટો પર સખત બનીને તેમની સામે પગલાં લઈ રહી છે. આગામી દિવસોમાં હજુ વધારે એરેસ્ટ થઈ શકે છે. છેલ્લા છ મહિનાની અંદર જ આવા કેસમાં 100થી વધારે લોકોને પોલીસે પકડી પાડ્યા છે.

હાઈલાઈટ્સ:

  • પોલીસે ડોન્કી રૂટની તપાસમાં ઊંડે ઉતરીને 108 ઈમિગ્રેશન એજન્ટોની ધરપકડ કરી
  • આ લોકોને દિલ્હી અને આસપાસથી છેલ્લા છ મહિનામાં પકડી લેવામાં આવ્યા છે.
  • હવે આવા કેસમાં માત્ર પેસેન્જરો સુધી તપાસ નથી થતી, એજન્ટોને પણ સાણસામાં લેવાય છે
નવી દિલ્હી: ડોંકી રૂટથી હજારો ભારતીયો ગમે તેમ કરીને અમેરિકા અથવા કેનેડામાં ઘૂસવા પ્રયાસ કરે છે અને ઘણી વખત જોખમમાં મૂકાઈ જાય છે. હવે આ નેટવર્કનો ધીમે ધીમે પર્દાફાશ થવા લાગ્યો છે અને પોલીસ એક પછી એક ઈમિગ્રેશન એજન્ટોને પકડી રહી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસે ડોન્કી રૂટની તપાસમાં ઊંડે ઉતરીને 108 ઈમિગ્રેશન એજન્ટોની ધરપકડ કરી છે. આ લોકોને છેલ્લા છ મહિનામાં પકડી લેવામાં આવ્યા છે. પોલીસે જે આકરી કાર્યવાહી કરી તેમાં માત્ર પેસેન્જરો સુધી તપાસ નથી થતી, પરંતુ તેમના એજન્ટોને પણ સાણસામાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસને ખબર છે કે ઈલિગલી અમેરિકા જવા માટે લોકો ગમે તેવા અખતરા કરવા તૈયાર હોય છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એક વૃદ્ધ શીખ માણસ ઉભો હતો પરંતુ તેને જોતા કંઈક ગરબડ લાગતી હતી. ગુરુ સેવક સિંહ નામની વ્યક્તિને દાઢી હતી, ચશ્મા પહેર્યા હતા, પરંતુ તે 67 વર્ષના વૃદ્ધ જેવો લાગતો ન હતો. સીઆઈએસએફે તેને પકડીને તપાસ કરી તો જાણવા મળ્યું કે વાસ્તવમાં દાઢી-મૂંછ બધું નકલી હતું અને તે 24 વર્ષનો છોકરો હતો. તે ડંકી રૂટથી કેનેડા જવાની તૈયારીમાં હતો.

અગાઉ આવી ઘટના બને એટલે પેસેન્જરને પકડી લેવામાં આવે અને કેસ ત્યાં પૂરો થઈ જાય. પરંતુ દિલ્હી પોલીસે આ સ્કેમના મૂળ સુધી ઊંડે ઉતરવાનું નક્કી કર્યું. તેથી પોલીસે આ કેસમાં ઈમિગ્રેશન એજન્ટોને પણ પકડ્યા છે જેઓ આખા ગેરકાયદે નેટર્વકનો ભાગ છે અને તેઓ જ વિદેશમાં કઈ રીતે ગેરકાયદે જવું તેની આખી તાલીમ આપે છે. ડોન્કી રૂટથી લોકોને વિદેશમાં ઘૂસાડવાનું તંત્ર કેટલાય વર્ષોથી ચાલે છે અને દરેક દેશમાં ચાલે છે.

દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે છેલ્લા છ મહિનામાં એરપોર્ટ પોલીસે 108 લોકોને પકડ્યા છે જે તમામ ઈમિગ્રેશન એજન્ટો છે. 2023માં છ મહિમામાં 51 લોકો પકડાયા હતા. એટલે કે આ વખતે સીધા ડબલ લોકો પકડાયા છે. કેટલાક દેશો ભારતીયોને વિઝા ઓન અરાઈવલ સુવિધા આપે છે તેનો પણ ગેરફાયદો ઉઠાવીને લોકો ડોન્કી રૂટ પર જતા રહે છે જેમાં એજન્ટો તેમની મદદ કરે છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે અગાઉ જે કેસ તપાસ કરીને બંધ કરવામાં આવ્યા હતા તેમાં હવે ફરીથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. માત્ર પેસેન્જરો સુધી તપાસ પૂરી નથી થતી પરંતુ તેના એજન્ટ સુધી તપાસ જાય છે. ઈન્વેસ્ટીગેશન ઓફિસરોને આવા એજન્ટો શોધીને તેમની સામે કેસ ચલાવવા માટે જણાવાય છે. પોલીસે જણાવ્યું કે અમુક એક દાયકા જેટલા જૂના કેસ પણ ખોલીને તેમાં વારંવાર ગુનો કરનારા લોકોને પકડવામાં આવ્યા છે. આ રીતે આખી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

ઘણા લોકો બનાવટી ડિપાર્ચર સ્ટેમ્પ, ફેક વિઝા, બનાવટી પાસપોર્ટ અથવા વર્ક પરમિટનો ઉપયોગ કરીને અથવા તો બનાવટી આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને વિદેશ ભાગવા પ્રયાસ કરે છે. ફેક વિઝાના કેસમાં ઈમિગ્રેશન એજન્ટો પેસેન્જરોને એવા બનાવટી વિઝા આપી દે છે જે અસલી જેવા જ દેખાય છે. છ મહિનામાં 24 એવા એજન્ટોને પકડવામાં આવ્યા છે જેઓ ચહેરાના સરખા ફીચર્ચનો ફાયદો લઈને બીજાના પાસપોર્ટ પર લોકોને વિદેશ મોકલતા હતા. કેટલાક એજન્ટો વિઝા ઓન અરાઈવલની સગવડ હોય તેવા દેશમાં ભારતીય પેસેન્જરને મોકલે છે અને ત્યાંથી આગળ ગેરકાયદે બોર્ડર ક્રોસિંગ કરાવવાનો રસ્તો કરી આપે છે. પોલીસ આ બધાની મેથડને ખુલ્લી પાડી રહી છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો