Please enable javascript.મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રે BMWથી કપલને ઉડાવ્યું, મહિલાનું મોત - shiv sena leader son hit couple with bmw car - Iam Gujarat

મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રે BMWથી કપલને ઉડાવ્યું, મહિલાનું મોત

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 7 Jul 2024, 5:28 pm
Subscribe

પૂણેમાં પોર્શે ગાડીના એક્સિડન્ટની ઘટના હજુ તાજી છે ત્યાં મુંબઈમાં એક બીએમડબલ્યુ કાર ચાલકે એક કપલને ઉડાવી દીધું જેમાં મહિલાનું મોત થયું છે. શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવતો હતો. તેની સાથે ડ્રાઈવર પણ હતો. પોલીસે ડ્રાઈવરને પકડ્યો છે જ્યારે મિહિર ભાગી ગયો છે. બેફામ વાહન ચલાવવાને લઈને આ વધુ એક ઘટના છે.

હાઈલાઈટ્સ:

  • મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રએ શરાબના નશામાં બીએમડબલ્યુ કારથી અકસ્માત કર્યો
  • પૂરપાટ જતી કારથી ટુ વ્હીલર પર જતા કપલને ઉડાવી દીધું છે. મહિલાનું મોત નિપજ્યું છે.
  • બીએમડબલ્યુ કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા 100 મીટર સુધી ઢસડાઈ હતી
mumbai accident
મુંબઈમાં બીએમડબલ્યુ કારના એક્સિડન્ટમાં નિર્દોષ મહિલાનું મોત થયું છે
ભારતમાં પાવરફૂલ લોકો પોતાના વાહનો દ્વારા રસ્તા પર ગમે તેને ઉડાવીને મોત નિપજાવે તેવી ઘટનાઓ વધતી જાય છે. પૂણેમાં કરોડોપતિના પુત્રે કરેલા એક્સિડન્ટની ઘટના હજુ તાજી છે ત્યાં મુંબઈમાં શિવસેનાના એક નેતાના પુત્રએ શરાબના નશામાં પોતાની બીએમડબલ્યુ કારથી ટુ વ્હીલર પર જતા કપલને ઉડાવી દીધું છે જેમાં મહિલાનું મોત નિપજ્યું છે. બીએમડબલ્યુ કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા 100 મીટર સુધી ઢસડાઈ હતી. પોલીસે ડ્રાઈવર અને આરોપીના પિતાની ધરપકડ કરી છે.
પૂણેમાં પોર્શ કારના એક્સિડન્ટ જેવી જ હીટ એન્ડ રનની ઘટના મુંબઈમાં છે. રવિવારે સવારે સાત વાગ્યે વરલીમાં એક સ્કૂટી પર પતિ-પત્ની માછલી લેવા જતા હતા ત્યારે BMWએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવતો હતો. તેની સાથે તેનો ડ્રાઈવર પણ હતો. આ એક્સિડન્ટ થયો પછી મિહિર ફરાર છે અને રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે. એક્સિડન્ટ જેનાથી થયો તે બીએમડબલ્યું કાર પણ જપ્ત કરવામાં આવી છે.

ટીવી અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે વરલીના કોલીવાડા વિસ્તારમાં રહેતા પ્રદીપ નખ્વા અને તેની પત્ની કાવેરી નખ્વા માછીમાર સમુદાયના છે. બંને દરરોજ સસૂન ડોક પર માછલી ખરીદવા જતાં હતાં. આજે તેઓ સાસુન ડોક પરથી પાછા ફરતા હતા ત્યારે એટ્રિયા મોલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક BMWએ તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પલટી ગયું અને બંને પતિ-પત્ની કારના બોનેટ પર પડ્યાં હતાં.

આ વખતે ત્યાંથી ભાગી જવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ 100 મીટર સુધી ઢસડી ગયો. ઈજાગ્રસ્ત મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું. તેનો પતિ હાલ સારવાર હેઠળ છે. પોલીસે સીસીટીવી ચેક કર્યા તો જોવા મળ્યું કે આ કાર શિવસેનાના નેતા રાજેશ શાહની છે. રાજેશ શાહ પાલઘરમાં શિવસેનાના શિંદે જૂથના નેતા છે. કારની વિન્ડશિલ્ડ પર શિવસેનાનું સ્ટિકર હતું. ત્યાર પછી સ્ટીકરને સ્ક્રેચ કરીને તેને હટાવવાનો પ્રયાસ કરાયો હતો. કારની નંબર પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે 'કાયદો પોતાનો માર્ગ અપનાવશે, કાયદો દરેક માટે સમાન છે. જે દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે દરેક સાથે સમાન વર્તન કરીએ છીએ.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો