Please enable javascript.Gujarati Community In Uganda,વિદેશમાં ઈન્ડિયન સિટીઝનશિપ છોડીને બરાબરના ફસાઈ ગયા એક ગુજરાતી - gujarati man surrenders indian citizenship later realized that he has been cheated - Iam Gujarat

વિદેશમાં ઈન્ડિયન સિટીઝનશિપ છોડીને બરાબરના ફસાઈ ગયા એક ગુજરાતી

Authored byનવરંગ સેન | I am Gujarat 6 Jul 2024, 6:03 pm
Subscribe

વર્ષોથી ઈન્ડિયાની બહાર રહેતા અમદાવાદી ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરી જ્યાં સેટલ થયા હતા તે દેશની સિટીઝનશિપ લેવા જતાં લાંબા ફસાઈ ગયા



અમદાવાદ: વર્ષોથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ બને ત્યાં સુધી ઈન્ડિયન સિટીઝનશિપ જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અમુક સંજોગોમાં તેમને સિટીઝનશિપ સરેન્ડર કરી પોતે જે દેશમાં સેટલ થયા હોય ત્યાંના સિટીઝન બનવું પડે છે. જોકે, આ કામ કરવામાં જો થોડી પણ ગફલત થઈ જાય તો કેવા હેરાન-પરેશાન થવાનો વારો આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો આફ્રિકન દેશ યુગાન્ડામાં રહેતા એક અમદાવાદીએ IamGujarat સાથે શેર કર્યો છે.

મૂળ અમદાવાદના નિરંજનભાઈ (નામ બદલ્યું છે) 2008ના અરસામાં નસીબ અજમાવવા માટે યુગાન્ડા ગયા હતા, જ્યાં તેમણે એકાદ વર્ષ સુધી જોબ કર્યા બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ગ્રોસરી આઈટમ્સનો હોલસેલ બિઝનેસ ધરાવતા નિરંજનભાઈ વર્ષોની મહેનત બાદ બે પાંદડે થયા હતા અને યુગાન્ડામાં દસ વર્ષ રહ્યા બાદ તેમણે ત્યાંની જ સિટીઝનશિપ લેવા માટે વિચાર કર્યો હતો. યુગાન્ડામાં રહેતા ઘણા ગુજરાતીઓ ત્યાંના સિટીઝન બની ચૂક્યા છે, અને નિરંજનભાઈએ પણ આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના થાય તેમજ વારંવાર પરમિટ રિન્યૂ કરાવવામાં થતો વર્ષનો એકાદ હજાર ડોલર જેટલો ખર્ચો બચાવવા માટે સિટીઝનશિપ લેવાની પ્રોસેસ શરૂ કરી હતી.

2018-19માં આ કામ માટે નિરંજનભાઈએ એક એજન્ટ રોક્યો હતો જેની સાથે ત્રણ હજાર ડોલરમાં તેમણે બધું નક્કી કર્યું હતું. તે વખતે યુગાન્ડામાં કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ નહોતી આવી અને સિટીઝનશિપને લગતું બધું જ કામ મેન્યુઅલી જ થતું હતું, અને તેમાં ઘણો સમય પણ લાગતો હતો. વળી, આ દરમિયાન કોરોના આવી જતાં નિરંજનભાઈનું કામકાજ પણ ટલ્લે ચઢી ગયું હતું. આખરે 2021માં એજન્ટે નિરંજનભાઈને અપ્રુવલ લેટર લાવી આપ્યો હતો, જેના આધારે તેમણે યુગાન્ડાનો પાસપોર્ટ મેળવવા માટે પણ એપ્લિકેશન કરી દીધી હતી અને તે પહેલા ઈન્ડિયન હાઈકમિશનમાં જઈને પોતાના પાસપોર્ટ સાથે ઈન્ડિયન સિટીઝનશિપ પણ તેમણે સરેન્ડર કરાવી દીધી હતી.

ઈન્ડિયન હાઈકમિશને નિરંજનભાઈને તેમની સિટીઝનશિપ સરેન્ડર થયાનો એક લેટર પણ આપ્યો હતો, અને ત્યારબાદ તેઓ યુગાન્ડાની પાસપોર્ટ ઓફિસ દ્વારા અપાયેલી અપોઈન્ટમેન્ટની તારીખ આવી જતાં પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને ત્યાં પહોંચ્યા હતા. 2021માં જ યુગાન્ડાના પાસપોર્ટ માટે એપ્લાય કરનારા નિરંજનભાઈએ પાસપોર્ટ ઓફિસમાં તૈનાત ઓફિસરને પોતાના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા ત્યારે પેલાએ તેમને પહેલો જ સવાલ એ કર્યો હતો કે તેમણે આ કામ માટે કોઈ એજન્ટ રોક્યો હતો કે કેમ? નિરંજનભાઈએ પોતે એજન્ટ રોક્યો હોવાનું સ્વીકાર્યા બાદ પાસપોર્ટ ઓફિસરે તે એજન્ટને તાત્કાલિક ઓફિસે બોલાવવા માટે નિરંજનભાઈને કહ્યું હતું. ત્યારબાદ નિરંજનભાઈએ તેને ઉપરાછાપરી ફોન પણ કર્યા હતા, પરંતુ બે-ત્રણ કોલ્સના જવાબ આપ્યા બાદ પેલાએ પોતાનો ફોન જ બંધ કરી દીધો હતો.

મામલો ગડબડ લાગતા આખરે નિરંજનભાઈએ પાસપોર્ટ ઓફિસરને મેટર શું છે તે પૂછ્યું હતું, અને ત્યારે પેલાએ કહ્યું હતું કે નિરંજનભાઈના નામે ઈશ્યૂ થયેલો યુગાન્ડાની સિટીઝનશિપનો અપ્રુવલ લેટર ફેક છે, અને તેમની પાસપોર્ટ એપ્લિકેશન પણ હવે પ્રોસેસ નહીં થઈ શકે. આ વાતની જાણ થતાં જ નિરંજનભાઈના પેટમાં ફાળ પડી હતી, કારણકે તેઓ પોતાની ઈન્ડિયન સિટીઝનશિપ સરેન્ડર કરાવી ચૂક્યા હતા. મતલબ કે હવે તેઓ ના તો ઈન્ડિયન સિટીઝન રહ્યા હતા કે ના તો યુગાન્ડાના સિટીઝન. તો બીજી તરફ યુગાન્ડાની પાસપોર્ટ ઓફિસવાળા પણ તેમને જવા દેવા માટે તૈયાર નહોતા, પરંતુ લંચ બ્રેક દરમિયાન સ્ટાફ આડોઅવળો થયો ત્યારે મોકો જોઈને નિરંજનભાઈ પણ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

નિરંજનભાઈનું માનીએ તો યુગાન્ડામાં એટલું બધું કરપ્શન છે કે ત્યાં કોઈપણ સરકારી કામ ચાંલ્લો કર્યા સિવાય થતું જ નથી, આ ઉપરાંત ક્યારેક તો તમારો કોઈ વાંક-ગુનો ના હોય તોય નાહકના ફસાઈ ના જવાય તે માટે પણ સરકારી માણસો સાથે વ્યવહાર કરવો પડે છે. પાસપોર્ટ ઓફિસમાં પોતાની સાથે કંઈક આવું ના થાય તે માટે નિરંજનભાઈએ મોકો મળતાં જ ત્યાંથી નીકળી જવાનું સલામત માન્યું હતું અને તેઓ પાસપોર્ટ ઓફિસેથી સીધા પોતાના એજન્ટની ઓફિસે ગયા હતા, પરંતુ ત્યાં તાળું લાગેલું હતું અને તેનો ફોન પણ બંધ હતો. યુગાન્ડાની સિટીઝનશિપ લેવા જતાં ફ્રોડનો શિકાર બનેલા નિરંજનભાઈ ત્યારબાદ ઈન્ડિયન હાઈકમિશનમાં ગયા હતા અને પોતાની સાથે જે થયું તે જણાવ્યું હતું, પરંતુ ત્યાંના સ્ટાફે પણ હાથ અદ્ધર કરી દેતા તેમને કહી દીધું હતું કે પાસપોર્ટ સરેન્ડર થાય બાદ હવે કંઈ જ ના થઈ શકે.

આ બધું થયું ત્યારબાદ નિરંજનભાઈએ યુગાન્ડામાં બે વર્ષ સતત ડરમાં જ કાઢ્યા હતા, તેમના બિઝનેસ પર ક્યારેક ચેકિંગ આવતું તો પણ તેઓ પૈસા ખવડાવીને સરકારી માણસોને રવાના કરી દેતા હતા. જોકે, આ સમસ્યામાંથી કઈ રીતે બહાર આવવું તેનો તેમને કોઈ રસ્તો નહોતો મળી રહ્યો. આખરે છએક મહિના બાદ તેમણે કોઈના કહેવાથી ફરી એક એજન્ટ રોક્યો હતો, પરંતુ તે પણ તેમને સાડા ત્રણ હજાર ડોલરનો ચૂનો લગાવીને રફુચક્કર થઈ ગયો હતો. ત્યારબાદ યુગાન્ડામાં કેટલાક વગદાર ગુજરાતીઓ સાથે મુલાકાત કરી નિરંજનભાઈએ તેમને પોતાની વ્યથા જણાવી હતી અને તેમને એક વકીલનો રેફરન્સ મળ્યો હતો જેણે સાડા ત્રણ હજાર ડોલરમાં તેમને કામ કરી આપવાનું કહ્યું હતું.

ઠેક-ઠેકાણે ધક્કા ખાધા બાદ અને કેટલીય જગ્યાએ વ્યવહારો કર્યા પછી છેક જૂન 2024માં યુગાન્ડાના વિદેશ મંત્રાલયે નિરંજનભાઈને એક લેટર ઈશ્યૂ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે તેમની સાથે યુગાન્ડાની સિટીઝનશિપ અપાવવાના નામે ફ્રોડ થયું છે અને હાલ તેઓ યુગાન્ડાની સિટીઝનશિપ પણન નથી ધરાવતા. હવે આ લેટર દ્વારા નિરંજનભાઈ પોતાની ઈન્ડિયન સિટીઝનશિપ પાછી મેળવવા માટે મથી રહ્યા છે, જો તેમને પાસપોર્ટ ના મળે તો કમસે કમ ઈમરજન્સી સર્ટિફિકેટ પણ મળી જાય તોય નિરંજનભાઈ ઈન્ડિયા પાછા આવી શકશે.
નવરંગ સેન
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો