Please enable javascript.Motel St-jacques,ડોલર કમાવવા મોટેલમાં કૂટણખાનું ચલાવતો ગુજરાતી જેલભેગો થયો - montreal motel owner jitendrakumar patel was implicated in drug trade say police - Iam Gujarat

ડોલર કમાવવા મોટેલમાં કૂટણખાનું ચલાવતો ગુજરાતી જેલભેગો થયો

Authored byચિંતન રામી | I am Gujarat 6 Jul 2024, 8:47 pm
Subscribe

કેનેડામાં એક ગુજરાતીની ડ્રગ્સ ટ્રેડ અને પ્રોસ્ટિટ્યુશનના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્રકુમાર પટેલ પોતાની મોટેલમાં આ બધી ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતો હતો અને પોલીસે એક મહિલા સુધી તપાસ કરી હતી અને બાદમાં અન્ડરકવર અધિકારીઓ સાથે મળીને રેડ પાડી હતી. હવે જીતેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે.

હાઈલાઈટ્સ:

  • વિદેશમાં જેમ-જેમ ભારતીયોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી વધતી જાય છે
  • વેસ્ટર્ન મોન્ટ્રીયલની સ્ટ્રીટ પર 31 રૂમના ગેસ્ટ હાઉસ મોટેલ સેન્ટ-જેક્સનો માલિક કથિત રીતે ડ્રગ ટ્રેડ અને પ્રોસ્ટિટ્યુશનમાંથી કમાણી કરતો હતો
  • એફિડેવિટમાં મોન્ટ્રીયલ પોલીસનું કહેવું છે કે, લોકોને ખબર હતી કે મોટેલમાં વર્ષોથી ડ્રગ અને સેક્સ ટ્રાફિકિંગ ચાલી રહ્યું હતું

વિદેશમાં જેમ-જેમ ભારતીયોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી વધતી જાય છે. હાલમાં કેનેડામાં આવી જ એક ક્રિમિનલ એક્ટિવિટીમાં ભારતીય મૂળના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. વેસ્ટર્ન મોન્ટ્રીયલની સ્ટ્રીટ પર 31 રૂમના ગેસ્ટ હાઉસ મોટેલ સેન્ટ-જેક્સનો માલિક કથિત રીતે ડ્રગ ટ્રેડ અને પ્રોસ્ટિટ્યુશનમાંથી કમાણી કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ મોટેલનો માલિક ત્યાં ચાર કલાકના રોકાણ માટે 45 ડોલર અને 40 ડોલર કથિત રીતે ક્રેક કોકેઈનની બેગ ખરીદવા માટે વસૂલત હતો. ગત સપ્તાહે ક્યુબેક કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોલીસ એફિડેવિટ મુજબ જેક તરીકે ઓળખાતા મોટેલના માલિક જીતેન્દ્રકુમાર પટેલે અન્ડરકવર પોલીસ અધિકારીઓને ક્રેક કોકેઈન અને ફેન્ટાનાઈલ સહિતના ડ્રગ ખરીદવામાં મદદ કરી હતી. એફિડેવિટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે પોતાની મોટેલના પરિસરમાં થતાં સેક્સ ટ્રાફિકિંગમાંથી વધારાની કમાણી કરી હતી.
તેના અને તેના કર્મચારી સામે આરોપો લાગ્યા છે, પોલીસનું કહેવું છે કે, તેમની પાસે ડ્રગ્સ હતું અને તેને મોટેલના ફ્રન્ટ ડેસ્કની પાછળ છૂપાવ્યું હતું અને તેની કોર્ટમાં હજી સુધી તપાસ કરવામાં આવી નથી. પોલીસે એક મહિના સુધી તપાસ કરી હતી અને બાદમાં ડઝનેક પોલીસ અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સાથે ત્યાં રેડ પાડવામાં આવી હતી. જીતેન્દ્રકુમાર પટેલ અને તેના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી અને જજે સરકારી એડમિનિસ્ટ્રેટર્સને મોટેલ પર નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો હતો. મોટેલ સેન્ટ-જેક્સ મોન્ટ્રીયલના નોટ્રે-ડેમ-દ-ગ્રેસના પાડોશમાં સેન્ટ-જેક્સ સ્ટ્રીટની બહાર વેસ્ટમોર એવન્યુ પર સ્થિત છે.

એફિડેવિટમાં મોન્ટ્રીયલ પોલીસનું કહેવું છે કે, લોકોને ખબર હતી કે મોટેલમાં વર્ષોથી ડ્રગ અને સેક્સ ટ્રાફિકિંગ ચાલી રહ્યું હતું. 2021થી ત્યાં ઓવરડોઝથી ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. મોટેલની નજીક રહેતા NDGના એક રહેવાસી મેથ્યુ ક્રિચે જણાવ્યું હતું કે, પોલીસ દરરોજ ત્યાં આવતી હતી અને દિવસમાં ઘણી વખત મોટેલ પર આવતી હતી. તે કંટાળાજનક રહેતું હતું અને હંમેશા આવી જ પરિસ્થિતિ રહેતી હતી. સ્ટેશન 9ના કમાન્ડર સ્ટેફન ડેસરોચેસે મોટેલને "ઝેરી વાતાવરણ" ગણાવ્યું છે અને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. સ્ટેશન 9 એક પોલીસ સ્ટેશન છે જે મોન્ટ્રીયલના વેસ્ટ એન્ડના મોટા ભાગને આવરી લે છે અને ગુનાહિત તપાસની દેખરેખ રાખે છે. તેમણે કહ્યું હતું કે, મોટેલ આવું બધું ચાલી રહ્યું છે તે આ વિસ્તારમાં લાંબા સમયથી જાણીતું હતું.

જોકે, માર્ચમાં મોન્ટ્રીયલ પોલીસે ઘણા બધા અન્ડરકવર અધિકારીઓ અને સર્વેલન્સ ટીમોને સાથે રાખીને એક ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. અન્ડરકવર ઓપરેટર્સ પિમ્પ અને પ્રોસ્ટિટ્યુટના વેશમાં મોટેલમાં ગયા હતા. તેમણે જેક તરીકે ઓળખાતા જીતેન્દ્રકુમાર પટેલ પાસેથી ચાર કલાક માટે એક રૂમ ભાડે લીધો અને રૂમમાં આવનાર દરેક વધારાના ક્લાયંટ માટે મોટેલ માલિકને વધારાના 10 ડોલર ચૂકવવા સંમત થયા હતા. પોલીસને વધારાની ફી અને અન્ડરકવર અધિકારીઓએ જીતેન્દ્રકુમાર પટેલ સાથે કરેલી વાતચીત દર્શાવે છે કે તે તેની મોટેલમાં થતી વેશ્યાવૃત્તિથી વાકેફ હતો અને તેમાંથી કમાણી કરવા માટે તૈયાર રહેતો હતો. એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે, અન્ડરકવર ઓફિસર્સે જીતેન્દ્રકુમાલ પટેલ અને તેના કર્મચારીની મદદથી ક્રેક કોકેઈન અને ફેન્ટાનાઈલ સહિતના ડ્રગ પણ સફળતાપૂર્વક ખરીદ્યું હતું. રેડના દિવસે શેલ્ટર રિપ્રેઝન્ટેટિવ્સ અને હેલ્થ ઓથોરિટિઝ સહિત સોશિયલ સર્વિસ પ્રોવાઈડર્સ હાજર હતા અને ઘણી મહિલાઓને શેલ્ટર અને અન્ય સેવાઓ પૂરી પાડી હતી. જીતેન્દ્રકુમાર પટેલને ડ્રગ્સની હેરાફેરી અને સેક્સ્યુઅલ સર્વિસનો લાભ લેવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો