Please enable javascript.Gautam Gambhir,ગંભીરના જે નિર્ણયની લોકો ઉડાવી રહ્યા હતા મજાક, તેણે જ ગેમ બદલી ટીમને બનાવી ચેમ્પિયન - mitchell starc proves his importance in ipl - Iam Gujarat

ગંભીરના જે નિર્ણયની લોકો ઉડાવી રહ્યા હતા મજાક, તેણે જ ગેમ બદલી ટીમને બનાવી ચેમ્પિયન

Authored byચિંતન રામી | I am Gujarat 27 May 2024, 4:26 pm
Subscribe

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 10 વર્ષ બાદ આઈપીએલ ચેમ્પિયન બની. રવિવારે રમાયેલી ફાઈનલમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદને પરાજય આપીને ટાઈટલ જીત્યું હતું. જેમાં ઝડપી બોલર મિચલે સ્ટાર્કની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. સ્ટાર્કને કોલકાતાએ 24.75 કરોડમાં ખરીદ્યો હતો ત્યારે લોકોએ ટીમના મેન્ટર ગંભીરના આ નિર્ણયની મજાક ઉડાવી હતી. પરંતુ અંતે સ્ટાર્કે પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી.

હાઈલાઈટ્સ:

  • કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024ની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું
  • ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો
  • મિશેલ સ્ટાર્કે ફાઈનલમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો
gautam gambhir
ગૌતમ ગંભીર આઈપીએલ-2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ વર્ષ 2012 અને 2014માં આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. પરંતુ આ પછી તે ટ્રોફી જીતવા માટે સંઘર્ષ કરી રહી હતી. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની શરૂઆત પહેલા કેટલાક મોટા નિર્ણયો લીધા હતા અને ફ્રેન્ચાઈઝીએ ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. ગૌતમ ગંભીરના કોલકાતા સાથેના જોડાણનું ફળ મળ્યું અને કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું. અગાઉ 2012 અને 2014માં ટીમ ચેમ્પિયન બની ત્યારે બંને વખતે ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર જ હતો.
કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બન્યા બાદ ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો IPL ઓક્શનના સમયનો છે, જ્યારે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ ગૌતમ ગંભીર ખૂબ જ ખુશ અને હસતો હતો. આ દરમિયાન કોલકાતા ફ્રેન્ચાઈઝીના સીઈઓ ટેબલ પર હાજર તેમના સાથીદારો સાથે હાથ મિલાવતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જ્યારે મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારે બધાએ કોલકાતાના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. બધાને લાગતું હતું કે સ્ટાર્ક નિષ્ફળ જશે. પરંતુ કદાચ ગૌતમ ગંભીરને ખ્યાલ હતો કે તેણે સાચો નિર્ણય લીધો છે. સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

આઠ વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરનાર સ્ટાર્કે પ્રથમ નવ મેચમાં માત્ર સાત વિકેટ લીધી હતી. તેણે વાનખેડે મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પ્રથમ વખત તેની પ્રતિષ્ઠા પ્રમાણેનો દેખાવ કર્યો હતો. ત્યારબાદ પ્લેઓફ અને ફાઈનલમાં પોતાની બોલિંગ વડે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. આ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્માને જે બોલથી મિચેલ સ્ટાર્કે ફાઈનલમાં આઉટ કર્યો તેને બોલ ઓફ ધ ટુર્નામેન્ટ કહેવામાં આવી રહ્યો છે. મિચેલ સ્ટાર્કે પ્રથમ ક્વોલિફાયરમાં અભિષેકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મિચેલ સ્ટાર્કે રાહુલ ત્રિપાઠીની વિકેટ લીધી હતી. જેમ જેમ આઈપીએલ તેના છેલ્લા તબક્કામાં પ્રવેશી રહી છે, મિચેલ સ્ટાર્ક તેના ફોર્મમાં આવી ગયો હતો.

મિચેલ સ્ટાર્કે ફાઈનલમાં ત્રણ ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે માત્ર 4.70ની ઈકોનોમી પર રન આપ્યા હતા. મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ ઉપરાંત સ્ટાર્કે પ્રથમ ક્વોલિફાયરમાં ચાર ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને પ્રથમ ક્વોલિફાયરમાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટાર્ક કોલકાતા માટે છેલ્લી બે મેચોમાં સૌથી ખતરનાક બોલર રહ્યો હતો. અંતે કોલકાતાએ ટાઈટલ જીત્યું ત્યારે તમામ લોકોને ગંભીરનો સ્ટાર્કને ખરીદવાનો નિર્ણય યોગ્ય લાગ્યો હશે.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો