Please enable javascript.અમેરિકામાં માસ શૂટિંગ વગર કોઈ દિવસ ખાલી નથી જતોઃ સ્કૂલો, મોલમાં વધુ જોખમ - mass shooting incidents in usa on the rise - Iam Gujarat

અમેરિકામાં માસ શૂટિંગ વગર કોઈ દિવસ ખાલી નથી જતોઃ સ્કૂલો, મોલમાં વધુ જોખમ

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 8 Jul 2024, 2:03 pm
Subscribe

અમેરિકામાં ગન ક્રાઈમની ઘટનાઓમાં ચાલુ વર્ષમાં ભારે વધારો થયો છે. દરરોજ ઓછામાં ઓછી બે જગ્યાએ માસ શૂટિંગ થાય છે અને સરેરાશ બેથી ત્રણ લોકો માર્યા જાય છે. પોલીસ આવી ઘટનાઓને કન્ટ્રોલમાં કરવા પ્રયાસ કરે છે પરંતુ હજુ સફળતા નથી મળી. તાજેતરમાં શિકાગોમાં એક અઠવાડિયાની અંદર 11 લોકો માસ શૂટિંગમાં માર્યા ગયા હતા.

હાઈલાઈટ્સ:

  • રવિવારે વહેલી સવારે ડેટ્રોઈટમાં શૂટિંગની ઘટના બની છે
  • શનિવારે કેન્યુટીમાં એક માસ શૂટિંગની ઘટના બની હતી
  • શિકાગોમાં પણ ગોળીબારની ઘટનાઓમાં 11ના મોત થયા
અમેરિકામાં ગન કલ્ચરના કારણે હાલત એવી થઈ છે કે રોજે રોજ માસ શૂટિંગની ઘટનાઓ બની રહી છે જેમાં ઢગલાબંધ લોકો મરી રહ્યા છે. હજુ ગયા અઠવાડિયામાં જ ફાયરિંગની જુદી જુદી ઘટનાઓમાં 33 લોકોના મોત નિપજ્યા હતા જેમાંથી 11 લોકો તો એકલા શિકાગોમાં માર્યા ગયા હતા. ત્યાર પછી પણ બે-ત્રણ ઘટનાઓ સામુહિક ગોળીબારની બની છે જેમાં લોકો માર્યા ગયા છે.

રવિવારે વહેલી સવારે ડેટ્રોઈટમાં શૂટિંગની ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયા હતા અને 19ને ઈજા થઈ હતી. મિશિગન પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તપાસ ચાલી રહી છે.

અમેરિકામાં આ વખતે આખો વીકએન્ડ હિંસા ચાલી છે. દર વખતે ચોથી જુલાઈની ઉજવણી વખતે આવી ઘટનાઓ બને છે જેમાં ડઝનબંધ લોકોના મોત થાય છે.

શનિવારે કેન્યુટીમાં એક માસ શૂટિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણને ઈજા થઈ હતી. શનિવારે એક સ્ટુડન્ટ પોતાના જન્મદિવસની ઉજવણી કરતો હતો ત્યારે 20 વર્ષનો એક શકમંદ છોકરો આવ્યો અને ફાયરિંગ કરીને ભાગી ગયો. પોલીસે તેનો પીછો કર્યો તો તેની કાર એક ખાડામાં પડી. પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી હતી અને સારવાર દરમિયાન તે માર્યો ગયો હતો.

ત્રણ દિવસ અગાઉ ફિલાડેલ્ફિયામાં માસ શૂટિંગની એક ઘટના બની હતી અને તે પણ ચોથી જુલાઈની ઉજવણીના સંદર્ભમાં હતી. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચારનને ઈજા થઈ હતી. આ કેસમાં ટીનેજરોને પણ ગોળી વાગી છે જેમની ઉંમર માત્ર 14 વર્ષ હતી.

વર્ષ 2024માં કેટલા માસ શૂટિંગ થયા તેનો આંકડો જોઈને તમને નવાઈ લાગશે. પહેલી જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીમાં છ મહિનામાં અમેરિકામાં ગન વાયલન્સ કે માસ શૂટિંગની 302 ઘટનાઓ બની છે જેમાં 390 લોકોના મોત થયા છે અને 1216 લોકોને ઈજા થઈ છે. એવો કોઈ દિવસ નથી જતો જ્યારે માસ શૂટિંગની ત્રણ-ચાર ઘટના ન બને અને લોકોના મોત ન થાય અથવા તો ઈજા ન થાય. જાન્યુઆરી સૌથી ખતરનાક મહિનો હતો જેમાં 100 લોકોના મોત થયા હતા જ્યારે છેલ્લે જૂનમાં 30 દિવસની અંદર ફાયરિંગની 77 ઘટનાઓમાં 72 લોકોના મોત થયા હતા.

ગયા અઠવાડિયામાં શિકાગોમાં પણ બંદુકધારીઓએ અલગ અલગ જગ્યા પર આતંક મચાવ્યો હતો જેમાં લગભગ 11ના મોત થયા હતા. ગયા સપ્તાહમાં ફાયરિંગની ઘટનાઓમાં 58 જણને ગોળી વાગી હતી. ચોથી જુલાઈ પબ્લિક હોલીડે હોય છે જે દિવસે લોકો સેલિબ્રેશન કરે છે, પરંતુ કેટલાક લોકો આ દિવસે હિંસા રોકી શકતા નથી અને ગમે ત્યાં ફાયરિંગ કરી બેસે છે. તેના કારણે શિકાગોમાં માસ શૂટિંગની ત્રણ ઘટના બની હતી. શિકાગોમાં ગ્રેટર ગ્રાન્ડ ક્રોસિંગમાં માસ શૂટિંગ થયું જેમાં બે મહિલા અને એક બાળકનું મોત થયું હતું.

અમેરિકામાં જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ ગન ક્રાઈમમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે 2020 અગાઉ ક્યારેય એક મહિનાની અંદર 60થી વધારે માસ શૂટિંગની ઘટનાઓ નહોતી બની. પરંતુ ત્યાર પછી 22 વખત એવું થયું છે જ્યારે એક મહિનાની અંદર 60થી વધારે વખત માસ શૂટિંગના કેસ બન્યા હોય. પોલીસ આવી ઘટનાઓને રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે કારણ કે બંધારણમાં લોકોને ગન રાખવાનો અધિકાર મળ્યો છે જેનો ઘણી વખત દુરુપયોગ થાય છે. ગન લોબીની સામે સરકાર પણ નબળી પડે છે અને તેના કારણે અમેરિકાની સ્કૂલો અને મોલ સૌથી જોખમી સ્થળ બની ગયા છે. આવી સ્થિતિમાં પોલીસ પણ બહુ આક્રમક બની જાય છે અને કેટલીક વખત શકમંદોને જોતાની સાથે જ ગોળી મારી દે છે જેમાં ઘણી વખત નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાય છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો