Please enable javascript.Transgender In Us,અમેરિકામાં ગરીબીમાં સબડી રહ્યા છે લાખો ટ્રાન્સજેન્ડર, નથી નોકરી કે પરિવારનો કોઈ સપોર્ટ - millions of transgender in america are more likely to live in poverty be unemployed - Iam Gujarat

અમેરિકામાં ગરીબીમાં સબડી રહ્યા છે લાખો ટ્રાન્સજેન્ડર, નથી નોકરી કે પરિવારનો કોઈ સપોર્ટ

Authored byચિંતન રામી | I am Gujarat 15 Jul 2024, 8:11 pm
Subscribe

ભારતમાં ટ્રાન્સજેન્ડરનું જીવન ઘણું જ કપરું હોય છે પરંતુ અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં પણ ટ્રાન્સજેન્ડરની હાલતમાં કોઈ વધારે ફરક જોવા મળતો નથી. અમેરિકામાં પણ આવા લોકોને ભેદભાવનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં તેમની પાસે રોજગારીનો અભાવ હોય છે અને પરિવારનો પૂરતો સપોર્ટ પણ હોતો નથી. તેમનું જીવન પારાવાર મુશ્કેલીઓથી ભરેલું હોય છે.

હાઈલાઈટ્સ:

  • મેરિસની દુર્દશા અમેરિકાના તે લાખો લોકોની કઠોર આર્થિક વાસ્તવિકતા સમજાવે છે જે પોતાને ટ્રાન્સજેન્ડર અથવા તો નોન-બાઈનરી ગણાવે છે
  • પ્યુરિસર્ચ સેન્ટર અનુસાર અમેરિકામાં ઓછામાં ઓછા 5.3 મિલિયન લોકો છે જે પોતાને ટ્રાન્સજેન્ડર અથવા તો નોન-બાઈનરી તરીકે ઓખળાવે છે
  • સર્વે કરાયેલા ટ્રાન્સજેન્ડર લોકોમાં બેરોજગારીનો દર 18% હતો, જે વર્તમાન રાષ્ટ્રીય દર કરતાં ચાર ગણા કરતાં વધુ હતો
Transgender in US
અમેરિકામાં ટ્રાન્સજેન્ડર લોકોનું જીવન પારાવાર મુશ્કેલીઓથી ભરેલું હોય છે.
અમેરિકાની ક્વિન મેરીસ 18 વર્ષની છે અને તે પોતાને ટ્રાન્સજેન્ડર અને નોન-બાઈનરી ગણાવે છે. જોકે, તેનું જીવન ઘણું કપરું છે અને તેને પોતાનું ગુજરાન ચલાવવામાં પણ પારાવાર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. મેરિસ ટ્રાન્સજેન્ડર છે તે જાણીને તેના માતા-પિતા ઘણા રોષે ભરાયા હતા અને વર્ષો સુધી મેરિસના તેમની સાથેના સંબંધો તણાવ અને દલીલોથી ભરેલા રહ્યા હતા. જોકે, બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. હાલમાં તે પોતાના સગા-સંબંધીઓ તરફથી મળતી કોઈ પણ નાણાકીય સહાય વગર સ્વતંત્ર રીતે જીવે છે અને સર્વર તરીકે કામ કરીને કલાક દીઠ 5.50 ડોલર વત્તા ટિપ્સ કમાય છે. CNNના રિપોર્ટ પ્રમાણે મેરિસ હાલમાં સિનસિનાટીમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. તે હાઉસિંગ આસિસ્ટન્સ પ્રોગ્રામ તથા મેડિકેડ અને સપ્લીમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) પર જીવે છે.
મેરિસની દુર્દશા અમેરિકાના તે લાખો લોકોની કઠોર આર્થિક વાસ્તવિકતા સમજાવે છે જે પોતાને ટ્રાન્સજેન્ડર અથવા તો નોન-બાઈનરી ગણાવે છે. રિસર્ચ અને સર્વેના પુરાવા અસ્પષ્ટ છે કે જે લોકોના લિંગની ઓળખ જન્મ સમયે તેમના લિંગ સાથે મેળ ખાતી નથી તેઓ સામાન્ય લોકો કરતાં વધુ નાણાકીય મુશ્કેલીઓ અનુભવે છે. કેટલાક ટ્રાન્સજેન્ડર લોકો "નોન-બાઈનરી" તરીકે ઓળખે છે, જેનો અર્થ છે કે તેઓ એક ચોક્કસ લિંગને અનુરૂપ નથી. 2022માં કરવામાં આવેલા સ્ટડીમાં જોવા મળ્યું હતું કે, આ લાકો રોજગારીના ઓછા દર, ઓછી આવક, ગરીબીનો ઊંચો દર, વધુ જાહેર સહાયતાનો ઉપયોગ અને ફૂડ ઈન્સિક્યોરિટીની વધેલી સંભાવનાઓ જેવી બાબતોનો સામનો કર્યો છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર અમેરિકામાં ઓછામાં ઓછા 5.3 મિલિયન લોકો છે જે પોતાને ટ્રાન્સજેન્ડર અથવા તો નોન-બાઈનરી તરીકે ઓખળાવે છે. આ સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે તો તેની સાઈઝ ફોનિક્સ મેટ્રોપોલિટન એરીયા સાથે કરી શકાય.

CNN સાથેના ઈન્ટરવ્યુમાં અર્થશાસ્ત્રીઓ, સંશોધકો અને ટ્રાન્સજેન્ડર લોકો જાતે કહે છે કે "ટ્રાન્સફોબિયા" અથવા ટ્રાન્સ લોકો વિશેની નકારાત્મક માન્યતાઓ અને વલણને તેમની આ દુર્દશા માટે દોષિત ગણાવી શકાય છે. લિંગ પરિવર્તન માટે પણ હજારો ડોલરનો ખર્ચ થઈ શકે છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ઘણી ઊંડી અસર થાય છે. જોકે, ટ્રાન્સજેન્ડર અને નોન-બાઈનરી લોકોની ભયંકર આર્થિક સ્થિતિનું લાંબા સમયથી સંશોધન કરવામાં આવ્યું નથી પરંતુ તાજેતરના દાયકાઓમાં તેના પર ઘણું બધું કામ થયું છે. સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કના ગ્રેજ્યુએટ સેન્ટર ખાતે સાયકોલોજીના પ્રતિષ્ઠિત પ્રોફેસર કેવિન નડાલે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે છેલ્લા 30 કે 40 વર્ષમાં ટ્રાન્સજેન્ડર લોકો અંગેના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે અને તેમાં ઘણી બધી આર્થિક અસમાનતા જોવા મળે છે. જો તમે કોઈ ટ્રાન્સ વ્યક્તિને જોશો તો તેનાથી તમે અસ્વસ્થતા અનુભવશો. આવું એટલા માટે થશે કેમ કે તમે તેમની સાથે વધારે સંપર્કમાં આવ્યા નથી અથવા તો તમે જેન્ડર અંગે ઘણા જડ વિચારો ધરાવો છો. પ્યુ રિસર્ચમાં પણ એ સામે આવ્યું છે કે, મોટાભાગના અમેરિકનો માને છે કે વ્યક્તિનું લિંગ જન્મ સમયે તેમના જેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ તેમને ભેદભાવથી બચાવવા તરફેણ કરે છે.

નેશનલ સેન્ટર ફોર ટ્રાન્સજેન્ડર ઈક્વાલિટી દ્વારા હાથ ધરવામાં આવેલા યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રાન્સજેન્ડર સર્વે આ વર્ષના અંતમાં "અભૂતપૂર્વ" 92,329 ઉત્તરદાતાઓમાંથી સંપૂર્ણ પરિણામો જાહેર કરી રહ્યું છે. પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે તેમના જીવન અને કામ કરવાની પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર થયો નથી. હંમેશની જેમ તેમનું જીવન અને તેમની કામ કરવાની પરિસ્થિતિ અત્યંત કઠીન રહી છે. સર્વેમાં દર ત્રીજા ટ્રાન્સજેન્ડર લોકો એટલે કે 34 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ગરીબીનો અનુભવ કરી રહ્યાં છે અને 30% લોકોએ કહ્યું હતું કે, તેઓ તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત બેઘર થયા છે. સર્વે કરાયેલા ટ્રાન્સજેન્ડર લોકોમાં બેરોજગારીનો દર 18% હતો, જે વર્તમાન રાષ્ટ્રીય દર કરતાં ચાર ગણા કરતાં વધુ હતો. સેન્સસ બ્યુરોએ સર્વેક્ષણના વર્ષ 2022માં એક વ્યક્તિ માટે ગરીબી રેખા 14,880 ડોલર કરી છે.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો